જામનગર માં આવેલી યુનિયન બેન્ક જે.એમ.સી.બ્રાન્ચ ના મેનેજર દ્વારા છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને બેંકના જુદા જુદા ૧૧ ખાતાધારકોના ખાતા મારફતે ૭૪ લાખ જેટલી રકમ ની લોન મેળવી લીધા પછી બેંકમાં માત્ર ૪.૬૦ લાખની રકમ જમા કરાવી બાકીની ૬૯.૬૫ લાખની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી છેતરપિંડી આચરી હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જે મામલે બેંક મેનેજર અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં આવેલી યુનીયન બેન્કની જે.એમ.સી. બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે-ફ્લેટ નં.૩૦૧,શ્રી રેસીડેન્સી,આનંદ કોલોની,પટેલ કોલોની જામનગરએ પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી તેના જ મળતીયા દર્શન હસમુખભાઇ મણીયાર રહે-રાજપાર્ક પાસે,રાધે ક્રિષ્ના પાર્ક,પ્લોટ નં.૫૬,રીલાઇન્સ પેટ્રોલ પંપ પાછળ,જામનગર સાથે મળીને બેન્કમાંથી બેંકના ખાતેદારો ના નામે બનાવટી કોટેશન રજૂ કરી લોન મેળવી લઈ બેંક સાથે ચીટીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
બેંકના મેનેજર દ્વારા ૨૦૨૦ થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કુલ ૧૧ ખાતેદારો ના નામના ખોટા કોટેશન રજુ કરી લોન મેળવવામાં આવી હતી. અલગ અલગ સાત જેટલા જામનગરના વેપારીઓના નામના બનાવટી કોટેશન રજૂ કરવામાં આવ્યા હતા, અને કુલ ૭૪ લાખ પચીસ હજાર જેટલી લોન બેંક માંથી મંજૂર કરાવી લીધી હતી.
બેંક મેનેજર દશરથસિંહ જાડેજા દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. જો કે એ બાબત જાહેર થયા પછી તેમાંથી ચાર લાખ ૬૦ હજાર જેટલી રકમ કેટલાક ખાતેદારોને પરત આપી હતી, પરંતુ ૫૯ લાખ ૬૫ હજાર જેટલી રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી, અને બેંક સાથે છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા જયેશભાઈ ઈન્દુલાલ મણિયાર કે જેઓ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા, અને તેઓનો જમણો પગ કાપવાનો પણ વારો આવ્યો હતો. દરમિયાન તેઓએ ૨૦૨૦ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં બેંક માંથી એક લાખની મુદ્રા લોન લેવા માટેની અરજી કરી હતી. જેના ડોક્યુમેન્ટ નો બેંક મેનેજર દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો, અને જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા દર્શન હસમુખભાઈ મણિયાર નામના શખ્સ પાસેથી બાંધણીનું બનાવટી કોટેશન રજૂ કર્યું હતું, અને બેંકમાં થી ૮ લાખની લોન મેળવી લીધી હતી.
જયેશભાઈ મણિયાર ના ઘેર અચાનક બેંક દ્વારા રિકવરી આવી હતી, અને તેઓએ બેંક માંથી આઠ લાખ રૂપિયાની લોન મેળવી છે, અને હપ્તા ભરતા નથી તેવું જણાવતાં જયેશભાઈ મણિયાર ડઘાઈ ગયા હતા.
પોતે એક પગ ગુમાવી બેઠા છે, અને આટલી બધી લોન પોતાના નામે લેવાઈ ગઈ હોવાથી આશ્ચર્યમાં મૂકાઈ જઈ બેંકનો સંપર્ક સાધ્યો હતો, અને સાથોસાથ સીટી-એ ડિવિઝન પોલીસને પણ જાણ કરી હતી. જે મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવતાં જુદાજુદા ૧૧ ખાતેધારકોના ખાતામાંથી ૭૪ લાખ ૨૫ હજાર જેટલી લોન મંજૂર કરાવી લીધી હોવાનું સામે આવ્યું હતું.
સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા જયેશભાઈ મણિયાર ની ફરિયાદના આધારે બેંક મેનેજર દશરથસિંહ જાડેજા અને ખોટું કોટેશન આપનાર દર્શન હસમુખભાઈ મણિયાર સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ કૌભાંડને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.