બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરાના ૮૫૦ લોકોને ૯૦૪.૪૧ કરોડનું વળતર ચુકવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાઇસ્પીડ પર ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાતા વળતરની ચુકવણી કરવામાં આવી છે. જેમાં વડોદરાના ૮૫૦ લોકોને ૯૦૪.૪૧ કરોડ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યું છે. એક વ્યક્તિને સરેરાશ ૧.૦૬ કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર વડોદરા શહેર-જિલ્લામાં 850 લોકોને જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ વળતર રૂપે ૯૦૪. ૪૧ કરોડ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યું છે. આ વળતર જમીન, મકોના અને રૂટમાં આવતી દુકાનોના માલિકોને ચુકવવામાં આવ્યું છે. એટલે કે જો આ રકમની સરેરાશ જોઇએ તો ૮૫૦ લોકોને એક કરોડથી વધુની રકમ મળે શકે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નાણાવટી ચાલ, નવાયાર્ડ, ગોકુલ ભૈયાની ચાલી સહિતના વિસ્તારો તેમજ જિલ્લામાં પાદરા, ચાણસદ, કરજણની જમીનોનું સંપાદન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં વડોદરાથી લઇને વાપી સુધી અલગ-અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરામાં બુલેટ ટ્રેન માટે રૂટમાં આડે આવતાં મકાન, દીવાલો અને નડતરરૂપ બાંધકામોનું ડિમોલિશનનું કામ પણ ૯૮% પૂર્ણ થઇ ગયું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન હાલ જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં પ્લેટફોર્મ નંબર-7ની બાજુમાં જ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પાસે બનતું હોવાથી બુલેટ ટ્રેનમાં અમદાવાદ કે સુરત, મુંબઇ તરફથી આવતા કે વડોદરાથી અન્ય શહેરમાં જતા મુસાફરોને મોટો ફાયદો થશે. મુસાફરો ચાલીને જ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં કે બુલેટ ટ્રેનના સ્ટેશનમાંથી રેલવે સ્ટેશનમાં જઇ શકશે. બીજી તરફ બુલેટ ટ્રેનના સ્ટેશનની બિલકુલ સામે જ વડોદરાનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન અને સિટી બસનું મથક આવેલું છે, જેથી બુલેટ ટ્રેનના મુસાફરોને એસ.ટી. બસ, સિટી બસમાં બેસવા માટે કે વડોદરાથી બુલેટ ટ્રેનમાં જતાં લોકોને માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં જ બધી સુવિધા મળી જશે, જેથી તેમના મુસાફરી ખર્ચ અને સમય પણ બચશે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જ આવેલા વડોદરાના બસ ટર્મિનલમાંથી હાલ એવી વ્યવસ્થા છે કે સીધા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પર રોડ ઓળંગ્યા વિના સ્કાય વોક-વે દ્વારા ચાલીને જઇ શકાય છે, તેથી બુલેટ ટ્રેનમાં આવતા કે જતા મુસાફરો સીધા બસ સ્ટેશનમાં આવી-જઇ શકશે. આ સિવાય સિટી બસ સ્ટેશન પણ બાજુમાં જ આવેલું હોવાથી આ વિસ્તાર પેસેન્જર હબ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *