રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે આજે મંત્રી જીતુ વાઘાણી અને અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જ્યાં મંત્રી જીતુ વાઘાણીએ પોતાની સાદગી બતાવવા રિક્ષા ચલાવી હતી. જયારે મેયર ડો.પ્રદિપ ડવ અને રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રિક્ષામાં પેસેન્જર બની સવારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થઇ શકયું નહોતું. આ અંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બારમા તબક્કા અંતર્ગત યોજાયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના આયોજનો થકી રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને સીધી બેંક ખાતામાં તેમની સહાય પહોંચાડી શકી છે અને લોકોને સંતોષની અનુભૂતિ થઈ રહી છે. સમગ્ર રાજ્યના લોકોની સુખાકારી વધી છે અને નવા વિકાસલક્ષી પરિવર્તનોના પરિણામો સાંપડી રહ્યા છે.
વાહન વ્યવહાર મંત્રી રૈયાણીએ જણાવ્યું હતું કે,ગરીબી હટાવવા માટે કટીબદ્ધ સરકાર પૂરતા પ્રયત્નો કરીને કોઈ પણ પ્રકારના વચેટિયાઓ વગર લાભાર્થીઓને હાથોહાથ સહાય મચાવી રહી છે.આજે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી વાઘાણી અને મંત્રી રૈયાણીએ મુખ્ય સ્ટેજ પરથી પ્રતીક રૂપે લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવી હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના કુલ ૬૪૬ લાભાર્થીઓને રૂ.૫.૧૪ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રી જીતુ વાઘાણી અને મહાનુભાવોએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.