રશિયાની સેના યુક્રેન પર હુમલાની ગતિને વેગ આપી ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે. છેલ્લા ત્રણ દિવસોમાં રશિયન સેનાએ યુક્રેન પર ચારેય બાજુથી હુમલો કરી તેમની સેનાને પીછે હઠ કરવા માટે મજબૂર કરી છે. જોકે, રાજધાની કીવ અત્યાર સુધી રશિયન સેનાના કબ્જાથી દૂર રહી હતી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કીવને રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવે તેવું જોખમ મંડરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આજની રાત અમારા માટે સૌથી મુશ્કેલ હશે, પરંતુ આપણે ઊભા રહેવું પડશે. ઝેલેન્સકીએ જણાવ્યું કે, આજની રાતે દુશ્મન અમારી ક્ષમતા તોડવા માટે દરેક પ્રયત્નો કરશે. આજે તેઓ અમારા પર કહેર વરસાવશે.
યુક્રેને દાવો કર્યો છે કે, કીવ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહેલી રશિયન સેનાને પાછળ ધકેલ્યું છે અને રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલું તોડી પાડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, આજની રાત બાકી બધા દિવસો કરતા મુશ્કેલીભરી રહેશે. અમારા દેશના કેટલાય શહેર હુમલાનો સામનો કરી રહ્યા છે જેમાં શેરનિહિવ, સુમી, ખારકીવ, ડોનબાસ અને દેશના દક્ષિણમાં રહેલા બીજા શહેર પણ સામેલ છે પરંતુ અમે અમારી રાજધાની કીવને નહી ખોઈ શકીએ.
રાષ્ટ્રપતિ બિડેને ‘યુક્રેનને તાત્કાલિક લશ્કરી સહાય’ માટે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જેમાં એકંદર સહાય માટે 250 મિલિયન ડોલર અને ‘સંરક્ષણ વિભાગના સંરક્ષણ લેખો અને સેવાઓ, અને લશ્કરી શિક્ષણ અને તાલીમ’ માટે 350 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.
કિવને ખાલી કરવાની યુએસની વિનંતીના જવાબમાં, યુક્રેનના ઝેલેન્સકીએ કહ્યું કે, તેમને ‘રાઈડની નહીં, દારૂગોળાની જરૂર છે.’
રશિયા પર પ્રતિબંધોની વણઝાર
યુક્રેન (Ukraine) પરના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપ્યો છે. યુક્રેનની સ્થિતિ વધારેને વધારે ખરાબ થઈ રહી છે. સામાન્ય લોકોમાં એ હદે ડર વ્યાપ્યો છે કે, તેઓ પોતાના ઘર છોડીને મેટ્રોની નીચે કે અંડરગ્રાઉન્ડ જગ્યાઓમાં સંતાઈ રહ્યા છે. હજારો લોકો પોતાનો દેશ છોડીને પાડોશના દેશ તરફ વળી રહ્યા છે. આ બધા વચ્ચે યુક્રેનમાં રશિયાના હુમલા બાદ અનેક દેશોએ મોસ્કો (Moscow) પર અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરી દીધા છે. વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ માટે ક્રેમલિન (Kremlin) પર દબાણ બનાવવાના પ્રયત્ન અંતર્ગત આ પ્રતિબંધો લાગુ કર્યા છે. તો ચાલો જાણીએ વિશ્વએ રશિયા પર કયા કયા પ્રતિબંધો મુક્યા છે અને તેની શું અસર પડશે.
અમેરિકા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે જ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમના પર અમેરિકામાં ટ્રાવેલ પ્રતિબંધ રહેશે. ઉપરાંત બાઈડને રશિયાની 4 બેંકો પર પ્રતિબંધ લગાવી દીધો છે જેના કારણે રશિયાની ટેક્નિકલ આયાત અવરોધાઈ શકે છે. તેના કારણે રશિયન અબજોપતિઓને ફટકો પડશે. રશિયાની દિગ્ગજ ઉર્જા કંપની ગજપ્રોમ (Gazprom) સહિત 12 કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે કંપનીઓને પશ્ચિમના બજારમાંથી મૂડી એકઠી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રશિયાને નિકાસ કરવામાં આવતા સંરક્ષણ અને એરોનોટિક્સ ઉપકરણો પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો. તે સિવયા રશિયાને મદદ કરવાના કારણે બેલારૂસના અનેક વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યુરોપિય યુનિયન
યુરોપિય યુનિયને પણ પુતિન અને લાવરોવ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. યુરોપીય સંઘના વિદેશ મંત્રીઓની ઈમરજન્સી બેઠકમાં રશિયા પર અનેક આકરા પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપીય સંઘે રશિયાના વિદેશ નીતિના પ્રમુખ જોસેફ બોરેલ પર આકરા પ્રતિબંધો લગાવીને તેમને નિષ્ઠુર વ્યક્તિ કહ્યા છે. યુરોપીય સંઘ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે રશિયાનું નાણાકીય, ઉર્જા અને પરિવહન ક્ષેત્ર પ્રભાવિત થશે. તે સિવાય યુરોપીય સંઘની બેંકોમાં રશિયન વ્યક્તિઓની પૈસા જમા કરાવવાની ક્ષમતા પણ પ્રભાવિત થશે. યુરોપીય યુનિયનના તમામ 27 દેશોમાં રશિયાના અનેક વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે અને તેમની ત્યાં રહેલી સંપત્તિઓ પણ સીઝ કરાશે.
બ્રિટન
બ્રિટન સરકારે પણ શુક્રવારે પુતિન અને લાવરોવની તમામ સંપત્તિ ફ્રીઝ કરવા અને પોતાના હવાઈ ક્ષેત્રમાં રશિયન અબજોપતિઓના જેટ વિમાનો પર પ્રતિબંધો મુકવાનો આદેશ આપ્યો છે. બ્રિટનમાં પુતિન અને લાવરોવ ઉપરાંત અનેક લોકોની સંપત્તિ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ પણ બ્રિટન રશિયન બેંક વીટીબી અને સંરક્ષણ નિર્માતા કંપની રોસ્ટેકની સંપત્તિ ફ્રીઝ કરી ચુક્યું છે.
કેનેડા
કેનેડાએ પુતિન અને લાવરોવ પર પ્રતિબંધ ઉપરાંત રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દીધું છે. આ કારણે રશિયાને વેપાર કરવામાં મુશ્કેલી પડશે. કેનેડાએ રશિયાને મદદ કરનારા બેલારૂસ પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. કેનેડાએ રશિયાની આશરે 60 પ્રભાવશાળી વ્યક્તિઓ અને બેંકો પર પ્રતિબંધ મુક્યો છે.
એશિયા પ્રશાંત
એશિયા પ્રશાંત ક્ષેત્રોમાં રશિયા વિરૂદ્ધ પ્રતિબંધોને લઈ એ પ્રકારની એકજૂથતા નથી જેવી પશ્ચિમના દેશોમાં છે. ભારત આ પ્રકારના કોઈ પ્રતિબંધોમાં સામેલ નહીં થાય. જ્યારે જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ યુક્રેનની યથાસ્થિતિમાં ફેરફાર માટે પુતિનની ટીકા કરીને સેમીકંડક્ટરની આયાત રોકી દીધી છે. સમગ્ર વિશ્વમાં હાલ સેમીકંડક્ટરની તંગી છે. જાપાન ઉપરાંત તાઈવાન પણ રશિયા પર કેટલાક પ્રતિબંધો મુકી રહ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ રશિયાના 25 વ્યક્તિઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રશિયાને મદદ કરવા માટે ચીનની ટીકા કરી છે.