રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત વિદેશ મંત્રાલયના કેમ્પ ઓફિસોને પશ્ચિમી યૂક્રેનના શહેરોમાં શરૂ કરી દેવાયા છે.
જેના પરિણામે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓને વતન લાવવામાં આવી રહ્યા છે. જે પૈકી ગુજરાતના ૧૦૦ જેટલા યુવાન વિદ્યાર્થીઓને એક ખાસ વિમાન મારફત હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાતના વિદ્યાર્થીઓને પરત ભારત લાવવાની વ્યવસ્થા કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ખાસ વિમાનથી આજે પરત ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી દીધી છે.
દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નર તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશ્નરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.