GTU: “ઘોડેસવારી” અને “ડ્રોન પાઈલોટ” કોર્સની શરૂઆત કરનારી રાજ્યની અને દેશની પ્રથમ યુનિવર્સિટી

જીટીયુ એટલે કે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણની સાથો સાથ અન્ય વિષયમાં પણ પારંગત બને અને આપણી પરંપરાગત રમતો અને કૌશલ્યો પણ શિખે તેવું નક્કર આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવ્યું છે. જીટીયુ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઘોડેસવારી તેમજ ડ્રોન ફ્લાઈંગ જેવા બે અવનવા કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને આ બન્ને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે. જેમાં આ કોર્સ મારફત જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિશેષ રીતે મદદરૂપ થશે.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોબાઈલ ટેક્નોલોજીની જેમ જ ડ્રોન ટેક્નોલોજી પણ જીવન જરૂરીયાતની ટેક્નોલોજી તરીકે પ્રસ્થાપિત થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ એન્ટીડ્રોન ખરીદેલ છે, જેની ટૂંક સમયમાં ડિલિવરી થશે. તાજેતરમાં પ્રજાસત્તાક દિને ડ્રોન શોમાં ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, મને વિશ્વાસ છે જીટીયુના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે ટેક્નોલોજીનો વિકાસ કરીને ડ્રોન શોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વર્તમાન સમયમાં પણ ગુજરાત પોલિસમાં ઘોડે સવારી પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમના માટે વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જીટીયુ આ ટ્રેનિંગ શરૂ કરીને ગૃહ વિભાગને પણ ભવિષ્યમાં મદદરૂપ થશે તેવી ખાતરી છે, તેમ કહ્યું હતું.

રાજ્યની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સલામતી સંબધીત પગલાં ભરવામાં આવે છે. આજની યુવા પેઢી અને દરેક  વિદ્યાર્થીઓ પણ ડ્રોન ટેક્નોલોજી બાબતે અવગત થાય તે માટે જીટીયુ દ્વારા ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જીટીયુના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે આ બાબતે જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા ટેક્નોલોજી સંબધીત કોર્સ તો ભણાવાય જ છે, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરીપ્રેક્ષમાં સર્વાંગી વિકાસ કરતાં કોર્સ પણ જીટીયુ દ્વારા ચલાવવાનું લક્ષ્ય છે. ડ્રોન ફ્લાઈંગ કોર્સમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓ રોડ મેપીંગ, જમીનના સર્વે, ઇન્સ્પેક્શન, કૃષી અને મેડિસીન ડિલિવરી સહિતના વિવિધ કાર્યો ડ્રોન ટેક્નોલોજી થકી કેવી રીતે કરવા તે શિખવવામાં આવશે. જ્યારે ઘોડેસવારીના કોર્સમાં પ્રેક્ટિકલ સહિત તેની થીયરી અને તેના પર રમાતી આપણી પરંપરાગત રમતો પણ શિખવાડવામાં આવશે. ડ્રોન ફ્લાઈંગ અને ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનાર જીટીયુ બંન્ને કોર્સમાં અનુક્રમે રાજ્યની અને દેશની પ્રથમ યુનિવર્સિટી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *