રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. રશિયા તરફથી હુમલો ચાલુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે
આજે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેનો ત્રીજો દિવસ છે. યુદ્ધના પહેલા દિવસથી જ યુક્રેન રાષ્ટ્રપતિએ વિવિધ દેશો પાસે મદદ માંગી છે. જોકે પહેલાં બે દિવસ તો કોઈ દેશ દ્વારા યુક્રેનને મદદ જાહેર કરવામાં આવી નહતી. પરંતુ હવે રશિયાની ક્રૂરતા જોઈને અમેરિકા સહિત યુરોપીયન દેશો પણ યુક્રેનની મદદ કરવા આગળ આવ્યા છે. હવે યુદ્ધમાં યુરોપીયન દેશો નેધરલેન્ડ, ડેનમાર્ક અને ફ્રાન્સે યુક્રેનને મદદની જાહેરાત કરી છે.
રશિયાએ જાહેરાત કરી છે કે, તે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી વચ્ચે ફેસબુક ઍક્સેસને આંશિક રીતે મર્યાદિત કરી રહ્યું છે. અગાઉ, સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ દ્વારા ક્રેમલિન સમર્થિત ઘણી મીડિયા એજન્સીઓના એકાઉન્ટ્સ મર્યાદિત કરવામાં આવ્યા હતા. રશિયન કોમ્યુનિકેશન રેગ્યુલેટર રોસ્કોમ્નાડઝોરે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેસબુક પર તેનો આંશિક પ્રતિબંધ શુક્રવારથી લાગુ થઈ ગયો છે.
રશિયન સરકારે રાષ્ટ્રીય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ ઝવેઝદા અને ક્રેમલિન તરફી સમાચાર વેબસાઇટ્સ પર ગુરુવારે લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા ફેસબુકને હાકલ કરી હતી, નિવેદનમાં જણાવાયું છે.
દરમિયાન, ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્કે કહ્યું છે કે, તેણે રશિયન રાજ્યની માલિકીની મીડિયાની હકીકત તપાસવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો છે.