યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાથીઓ “ઓપરેશન ગંગા” અંતર્ગત ગુજરાત આવી પહોંચ્યા; ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત

યુક્રેન રશિયા યુદ્ધ ની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે  રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શકયા છીએ. ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને વતન પરત લાવવામાં ભારત સરકાર કોઇ જ કસર છોડશે નહીં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપૂર્ણ વ્યવસ્થાઓ કેન્દ્ર અને રાજય સરકાર કરશે એટલે સૌ વિદ્યાર્થીઓ એમ્બેસીની સૂચનાઓનુ પાલન કરે અને જયાં છે ત્યાં જ રહે, વેસ્ટર્ન પાર્ટમાંથી વિદ્યાર્થીઓ નકળી શકે છે. ત્યારે બંન્ને દેશોમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શકય બન્યું છે.

આજે વહેલી સવારે યુક્રેનથી ગુજરાત પરત આવેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે સરકીટ હાઉસ,ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સૌને સાંત્વના પાઠવી હતી. આ વેળાએ સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

વિદ્યાર્થીઓને તેમના માદરે વતન જવા રવાના કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ભારત પરત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી વિનાવિઘ્ને પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને દિલ્હી કે અમદાવાદ મુંબઈ એરપોર્ટ લેવા જવાની ચિંતામાંથી માતા-પિતા વાલીઓને મુક્ત કરી દીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે, યુક્રેનની આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એક્ટિવેટ કરવાની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મંત્રીએ માતા-પિતા વાલીઓને હૈયાધારણ આપતા કહ્યું કે, હજી પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે તેમને વતન હેમખેમ પરત લાવવાના સક્ષમ પ્રયત્નો સરકાર કરી રહી છે.

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યુ કે, આજે દિલ્હીથી 27 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે એમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ, સુરત, ગીર-સોમનાથ, અમરેલી, સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તેમણે MEA દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો ટોલ ફ્રી નંબર 1800 118 797 ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX),નો સંપર્ક કરવા સૌનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન,પોલેન્ડ,હંગેરી,રોમાનિયા,સોવલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા છે. સરકીટ હાઊસ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજયમંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર સહિત વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળાએ જોડાયા હતા. આ વિદ્યાથીઓ અને તેમના માતા-પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *