ગાંધીનગરમાં કોંગ્રેસના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ઉપેનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ યોજેલી પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે, રાજકોટના આણંદપર, નવાગામ અને માલીયાસણના જુદા જુદા ૨૦ સર્વે નંબરોની ૧૧૧ એકર જમીનમાં ૫૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ કૌભાંડ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના નેતાઓએ આચર્યુ હતુ. તેઓએ કહ્યું હતું કે, ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડોની એક પછી એક પોલ ખુલવા લાગી છે. આ સમગ્ર બાદ વિજય રૂપાણીએ પત્ર ટ્વીટ કરીને કોગ્રેસને જવાબ પણ આપ્યો હતો. ભૂતપૂર્વ CMએ આ આરોપને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી હતી કે, મારા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરું થઇ રહ્યું છે. કોંગ્રેસનું જહાજ હવે ડૂબી રહ્યું હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે.
આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યવાહી કરી છે. પુર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવનારા કોંગ્રેસના નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે અને ૧૫ દિવસમાં લેખિતમાં માફી માંગવાની માગ કરી હતી. અને જો તેઓ આરોપ પરત ન ખેંચે તો બદનક્ષીનો કેસ કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે કૌભાંડના આરોપથી પ્રતિષ્ઠાને નુકસાન થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું.