યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રોના પરિજનોની કલેકટર અતુલ ગોરે લીધી મુલાકાત

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા છાત્રો અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુદ્ધથી વ્યાકુળ  પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેકટર ગોર તથા નિવાસી અધિક કલેકટરકુલદીપસિંહ ઝાલા જતીનભાઈ ભટ્ટના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમના પુત્ર રોનિક વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. રોનીક કિવમાં તબીબી અભ્યાસ કરે છે અને શહેરમાં હુમલો થતાં તેઓ અન્ય લોકો સાથે કિવ શહેર છોડી ગયો હતો. હાલમાં રોનિકની ભાળ મેળવવાનો પ્રયાસ શરૂ છે. કલેકટર ગોરે ભટ્ટ પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા માંગવામાં આવેલી વિગતોના ઓનલાઈન ફોર્મ વિશે માહિતી આપી હતી અને તેને સત્વરે ભરી દેવા જણાવ્યું હતું. આ ઓનલાઈન ફોર્મમાં યુક્રેનમાં ફસાયેલા છાત્રો અંગે જરૂરી વિગતો માંગવામાં આવી છે. જેથી તેને સરળતાથી વતનમાં લાવી શકાય.

ક્લેકટર ગોરે કહ્યું કે મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે.વડોદરા જિલ્લાના અધિક અને નાયબ કલેકટર કક્ષાના કુલ ૧૪ અધિકારીઓએ  આવા પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી વિગતો જાણી હતી. આ અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત પોતાના વતન પહોંચ્યાં છે. રોમાનીયાથી આવેલા 18 વિદ્યાર્થીઓને મુંબઇ એરપોર્ટથી વોલ્વો બસમાં વડોદરા લાવવામાં આવ્યાં હતા.ત્યારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યાં. સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડીયા અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.તો બીજી તરફ હજી કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.જેમના વાલીઓમાં ચિંતા છે અને પોતાના બાળકને વતન પરત લાવવા માટે સરકારને અપીલ કરી રહ્યાં છે. જ્યારે મેયર, સાંસદ અને મંત્રીએ હજી ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *