રશિયા-યુક્રેન યુદ્ધની અસર થી ક્રૂડ અને કરન્સી બજારમાં ભડકો

યુક્રેન સામે રશિયાએ મોરચો માંડ્યા બાદ પુતિનના દેશ સામે સમગ્ર વિશ્વ એકજૂથ થઈને આકરા પ્રતિબંધો લાદી રહ્યું છે. રશિયા પર પ્રતિબંધો કડક બનતા અને રશિયાએ યુદ્ધની આકરી નીતિ ચાલુ રાખતા સામાન્ય શાંત થયેલ સ્થિતિ ફરી ઉચાળા ભરી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ બજારમાં ભડકો જોવા મળ્યો છે. ક્રૂડ અને ઈક્વિટી બજારના દબાણ હેઠળ ભારતીય ચલણ રૂપિયામાં પણ બુધવારના સત્રમાં ઘસારો જોવા મળ્યો છે.

રૂપિયો ડોલરની સામે આજના સત્રમાં ૫૦ પૈસાના કડાકે ૭૫.૮૨ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. યુરોપની અરાજકતા હવે સમગ્ર વિશ્વને બાનમાં લઈ રહી છે અને વિશ્વ અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થવાની ભીતિને કારણે ઈક્વિટી બજારમાંથી મસમોટો આઉટફ્લો જોવા મળી રહ્યો છે.

ઈક્વિટીની નરમાઇ અને બ્રેન્ટ ફરી ૧૦% ઉછળીને ૧૧૦ ડોલરને પાર પહોંચતા મોંઘવારી માઝા મુકશે અને વ્યાજદરમાં ઝડપી વધારો કરવાની વિશ્વની ટોચની સેન્ટ્રલ બેંકોને ફરજ પડશે તેવા રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડનારા ડરને પગલે ડોલરની સામે અન્ય ચલણમાં દબાણ જોવા મળી રહ્યું છે.

સોમવારના બંધ ભાવ ૭૫.૩૩ પ્રતિ યુએસ ડોલરની સામે રૂપિયો બુધવારે ૭૫.૭૮ પર ખુલીને ૭૫.૮૩ સુધી ઘટ્યો છે. મંગળવારે મહાશિવરાત્રિના તહેવારને પગલે ભારતીય કરન્સી માર્કેટ બંધ હતુ.

સામે પક્ષે વિશ્વની ટોચની છ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસમાં ૦.૦૧%નો સામાન્ય વધારો આજનાઅ સત્રમાં જોવા મળી રહ્યો છે અને તે ૯૭.૪૧ના લેવલે જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *