ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે ડુંગળીની થયેલી આવક સામે નાનુ પડ્યું હતું. એક જ દિવસમાં આશરે અધધ 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડની બંને તરફ છ-છ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
ગોંડલ માર્કેટીંગ યાર્ડ બહાર ડુંગળીનો માલ ભરેલા અંદાજે ૧૫૦૦થી વધુ વાહનોની કતાર લાગી હતી. ડુંગળીની વધુ આવક થતા યાર્ડના સત્તાધીશોને ભાડે જમીન રાખવાની ફરજ પડી છે.
સૌરાષ્ટ્રભરના ૧૫૦૦ જેટલા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. આજે થયેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ ૮૦ થી ૪૯૦ રુપિયા સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગોંડલ તાલુકાના ૫૦૦થી વધુ ખેડૂતો, જેતપુર તાલુકાના જેતપુર, કોટાડા સહિતના આસપાસના તાલુકાના ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવ્યા હતા.
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીં પોતાનો પાક વેચવા આવતા હોય છે.
આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો જેના કારણે સૌરાષ્ટ્ર પંથકમાં ડુંગળીના પાકનું મબલક ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે.