ગુજરાત સરકાર દ્વારા કાલે બજેટ ૨૦૨૨/૨૩ માં મોરબીમાં અદ્યતન ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક માટે રૂપિયા ચારસો કરોડની ફાળવણી કરાઈ છે. જેને લઈને મોરબી સિરામિક એસોસિએશન અને ઉદ્યોગ જગત દ્વારા સરકારની આ જાહેરાતને આવકારવામાં આવી હતી.
મોરબીનાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક અન્ય ઉદ્યોગ અને ક્લસ્ટર માટે પથ દર્શક બની રહે તે માટે સરકારે કરેલી જાહેરાત માટે મોરબી સિરામીક એસો.એ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બજારમાં સિરામિક હબ તરીકે જાણીતા મોરબીમાં ઘણી સિરામીકની ફેક્ટરીઓ આવેલી છે.
સમગ્ર દેશના કુલ ઉત્પાદનનાં ૭૦ થી ૮૦ ટકા ટાઇલ્સ, સેનેટરી વસ્તુઓનું ઉત્પાદન મોરબીમાંજ થાય છે. આ ઉદ્યોગથી કેન્દ્ર સરકારને કરોડો રુપિયાના ટેક્ષની અને વિદેશી હૂંડિયામણની આવક થાય છે. હવે રાજ્ય સરકારના ઈન્ટરનેશનલ સિરામિક પાર્કના આયોજનથી સિરામિક ઉદ્યોગનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકાસ થશે.