દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેના પરિવારના દરેક સભ્યો સુરક્ષિત રહે. લોકોની આત્મરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ૪ માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુર્ઘટનાઓથી રોકવા માટે કરવામાં આવતા સુરક્ષા ઉપાયો અંગે જાગરુકતા વધારવાનો છે. સુરક્ષા અભિયાનના રૂપમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ૪ માર્ચ ૨૦૨૨ શુક્રવારથી ૧૦ માર્ચ ૨૦૨૨ સુધી આખું અઠવાડિયું મનાવવામાં આવશે.
રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે જાગરુકતા વધારવાનો છે. ખાસ કરીને આ દિવસ દેશની સીમા પર પોતાના જીવના જોખમે સુરક્ષા કરી રહેલા આર્મી સોલ્જર્સને સમર્પિત કરવાનો છે.
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એક સ્વાયત સંસ્થા છે. જેની સ્થાપના મુંબઈમાં ૪ માર્ચ, ૧૯૬૬ના રોજ ‘સોસાયટી એક્ટ હેઠળ ૮,૦૦૦ સભ્યો સાથે કરવામાં આવી હતી. ૧૯૭૨માં આ સંસ્થાએ ૪ માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા દિવસની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લોકો પણ સલામતીની બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલે દરેક સ્તરે સુરક્ષાના સિદ્ધાંતો સ્થાપિત કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. રોડ સેફ્ટી, કાર્યસ્થળ પર સુરક્ષા, વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા વગેરે જેવા મુદ્દાનો તેમાં સમાવેશ થાય છે. તેમાં દેશની આંતરિક સુરક્ષાનું પણ મહત્વ છે.