૪ માર્ચથી શરુ થયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ૧૦૭ રનથી હરાવીને આગેકૂચ કરી છે. પ્રથમ મેચમાં જ ભારતીય મહિલા ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને પાકિસ્તાનને ૨૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની મહિલા ટીમ ૪૩ ઓવરમાં માત્ર ૧૩૭ રન જ કરી ઓલઆઉટ થઈને મેચ હારી ગઈ છે. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે ૪ વિકેટ, જ્યારે ઝૂલન ગૌસ્વામી અને સ્નેહ રાણાએ બે – બે વિકેટ લઈ પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી હતી.
ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં ઓપનર સ્મૃતિ મંદાનાના ૫૨, દિપ્તી શર્માના ૪૦, સ્નેહ રાણાના અણનમ ૫૩ અને પૂજા વસ્ત્રાકરના ૬૭ રન મુખ્ય હતા.
ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્લ્ડ કપની પહેલી મેચ રમતાની સાથે ઈતિહાસ રચી દીધો છે. તે સૌથી વધુ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તે અત્યારસુધી કુલ ૬ આઈસીસી મહિલા વર્લ્ડ કપ રમી ચૂકી છે.