પીએમ મોદીએ યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે ૫૦ મિનિટ વાતચીત કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચે લગભગ ૫૦ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. મોદી અને પુતિને યુક્રેનની તાજેતરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેન અને રશિયન ટીમો વચ્ચેની વાતચીતની સ્થિતિ વિશે જાણકારી આપી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પુતિનને ઝેલેન્સકી સાથે વાત કરવા વિનંતી કરી. પીએમ મોદીએ સુમી સહિત યુક્રેનના ભાગોમાં યુદ્ધવિરામની જાહેરાત અને માનવતાવાદી કોરિડોર બનાવવાના પગલાની પ્રશંસા કરી.

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તેમની ટીમો વચ્ચે ચાલી રહેલી વાતચીત સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી છે. તેમણે યુદ્ધવિરામની ઘોષણા અને સુમી સહિત યુક્રેનના ભાગોમાં માનવતાવાદી કોરિડોરની સ્થાપનાની પણ પ્રશંસા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિકોને સુમીમાંથી વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પીએમને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.

અગાઉના દિવસે, પીએમ મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી અને તેમને યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તરપૂર્વીય શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે મદદ કરવા વિનંતી કરી હતી. લગભગ 35 મિનિટ સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પૂર્વી યુરોપિયન દેશ યુક્રેનમાં ઉભરી રહેલી સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રો દ્વારા પણ આ માહિતી આપવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે લગભગ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ સુમીમાં ફસાયેલા છે.

વડાપ્રધાન મોદીએ યુક્રેનની સરકારને સુમીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ચાલુ રાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. તે જ સમયે, તેમણે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે ઝેલેન્સકીનો આભાર માન્યો. બંને નેતાઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત તેના નાગરિકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

રશિયાએ યુક્રેનિયન નાગરિકોના સ્થળાંતર માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો સુરક્ષિત રીતે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ કિવના ઉપનગરોમાં વિનાશક દ્રશ્ય વચ્ચે નાગરિકોને બહાર કાઢવામાં નિષ્ફળતાની જાણ કરી છે. દરમિયાન, બંને પક્ષોના અધિકારીઓ સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત કરવાની પણ યોજના ધરાવે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે યુદ્ધવિરામ કેટલો સમય અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *