અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે. આજે ૩૭ ડિગ્રી સાથે અમદાવાદ-જુનાગઢમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જોકે, આગામી ચાર કે પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે. મંગળવારે ડાંગ-તાપી-નર્મદા, બુધવારે પંચમહાલ-દાહોદ-ખેડા-વડોદરા-નર્મદા-તાપી-ડાંગ-નવસારી-સુરત જ્યારે ગુરૂવારે તાપી-ડાંગ-ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આજે ૩૭ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૭ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.
સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજ્યના ૧૨ શહેરમાં આજે તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. જેમાં ૩૬.૬ ડિગ્રી સાથે અમરેલીમાં ,૩૫.૪ ડિગ્રી સાથે વડોદરા-ભૂજમાં, ૩૫.૩ સાથે ભાવનગરમાં, ૩૬.૪ સાથે દમણમાં, ૩૫.૨ સાથે ભૂજમાં, ૩૫ સાથે ગાંધીનગરમાં, ૩૬ સાથે કંડલામાં, ૩૬.૮ સાથે રાજકોટમાં, ૩૬.૪ સાથે સુરતનો પણ સમાવેશ થાય છે.