યુક્રેન પર રશિયાના આક્રમણે જીઓપોલિટીકલ ટેન્શન અને એના પરિણામે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધતાં રહેતાં ફેબુ્રઆરી મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં બજેટના દિવસ ૨,ફેબુ્રઆરીની શરૂઆતથી ટૂંકા સમયગાળામાં જ રૂ.૨૯ લાખ કરોડથી વધુ ધોવાણ થઈ ગયું છે.
સેન્સેક્સ પણ બજેટના દિવસ ૦૨/૦૨/૨૦૨૨,ની ૫૯૫૫૮.૩૩ની સપાટીથી ૬૭૧૫.૫૮ પોઈન્ટ તૂટીને આજે ૭,ફેબુ્રઆરીના ૫૨૮૪૨.૭૫ની સપાટીએ આવી ગયો છે. જે આજે ઈન્ટ્રા-ડે ૨૦૦૦ પોઈન્ટ જેટલો તૂટયા બાદ અંતે ૧૪૯૧.૦૬ પોઈન્ટ ગબડીને ૫૨૮૬૩.૭૫ અને નિફટી સ્પોટ ૩૮૨.૨૦ પોઈન્ટ તૂટીને ૧૫૮૬૩.૧૫ બંધ રહ્યા હતા.
ફુગાવા-મોંઘવારીને ભડકાવનારા ક્રૂડ ઓઈલની આગ યુક્રેન પર રશિયાના ૨૪,ફેબુ્રઆરીના આક્રમણ બાદ વધુ ભડકીને હવે બ્રેન્ટ ક્રૂડ ૧૩૯ ડોલરની વર્ષ ૨૦૦૮. બાદની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડીને ૭૭ની સપાટીએ પહોંચી જતાં ૮૦% ઓઈલની આયાત પર નિર્ભર ભારતનું અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની હાલત કફોડી બનવાના સ્પષ્ટ સંકેતોએ ભારતીય શેર બજારોમાં એફપીઆઈની સતત જંગી વેચવાલી થઈ રહી છે.
રોકાણકારોની સંપતિ જે ૦૨/૦૨/૨૦૨૨ના રૂ.૨૭૦.૬૪ લાખ કરોડ હતું એ અત્યાર સુધીમાં રૂ.૨૯.૫૪ લાખ કરોડ ઘટીને આજે ૦૭/૦૨/૨૦૨૨ના રૂ.૨૪૧.૧૦ લાખ કરોડ રહી ગયું છે. જેમાં આજે એક દિવસમાં વધુ રૂ.૫.૬૯ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
એફઆઈઆઈઝની ભારતીય શેર બજારોમાં સતત મોટાપાયે વેચવાલી ચાલુ રહી ફેબુ્રઆરી ૨૦૨૨ મહિનામાં રૂ.૪૫૭૨૦ કરોડ અને માર્ચ ૨૦૨૨માં અત્યાર સુધીમાં રૂ.૨૨૦૦૦ કરોડથી વધુ વેચવાલી સાથે કુલ રૂ.૬૮૦૦૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ છે. શેરોમાં આજે-સોમવારે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની તેજી સિવાય બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રિયાલ્ટી, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી.