રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ ખાસ સમારંભમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટેના નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા. ઉત્કૃષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ૨૯ મહિલાઓને આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલાવર્ગની સુરક્ષા અને ગરિમા સુનિશ્ચિત કરવા તથા તેમના સપના અને આકાંક્ષાઓને ગતિ આપવા લોકોને અનુરોધ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિની એમ. વેંકૈયા નાયડુએ મહિલાઓ સાથે દરેક પ્રકારનો ભેદભાવ સમાપ્ત કરીને વિશ્વમાં સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવા માટે આહવાન કર્યું છે.
મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. દર વર્ષે આજના દિવસે મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓને બિરદાવવા માટે આ દિવસની ઉજવણી કરાય છે.