અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા પરિવાર ઉપર ઘાતક હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર કૃણાલ ભિટોરા ગઈકાલે રાત્રે પોણા નવ વાગે તેના મિત્ર જય ચૌહાણ સાથે ગોમતીપુર વિવેકાનંદ એસ્ટેટ સામે ઊભા હતા. તે દરમિયાન ગોમતીપુર દેવીપ્રસાદની ચાલીમાં રહેતા વિકીએ તેમને બિભત્સ ગાળો આપી કહ્યુ કે તુ કેમ પોલીસને ખોટી બાતમી આપે છે કહી ગડદાપાટુનો માર માર્યો હતો.
ભોગ બનનાર કૃણાલએ બૂમાબૂમ કરતા તેમની માતા અને બહેન તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે તે દરમિયાન વિકીનો ભાઈ આવ્યો અને તેણે પણ બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો જેથી કૃણાલના માતા અને બહેન છોડાવવા વચ્ચે પડ્યા પરંતુ વિકીએ કૃણાલની બહેનને ધક્કો માર્યો અને મારવા માટે ચપ્પુ કાઢ્યુ. જોકે ચપ્પુનો ઘા કૃણાલને વાગી જતા લોહી નીકળ્યુ હતુ. વિકીએ તેમની માતાના બંને હાથમાં ચપ્પુના ઘા માર્યા. જેથી તેમને ઈજા પહોંચતા લોહી નીકળ્યુ હતુ.
તે દરમિયાન કૃણાલનો મિત્ર જય વચ્ચે પડતા વિકી અને તેનો ભાઈ બંને નાસી છૂટ્યા હતા. જોકે વીકીએ જતા જતા કૃણાલને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારબાદ ઘટના સ્થળે કૃણાલના પિતા આવી જતા 108 એમ્બ્યુલન્સમાં માતાને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં કૃણાલ અને તેમની માતા બંનેને ચપ્પુની ઈજાના કારણે ટાંકા લેવા પડ્યા છે.
આ ઘટના સંદર્ભે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.