પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ માર્ચના રોજ શુક્રવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી સવારે ૧૧ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. તે પછી એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપની ટીમ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને હોદેદારો પણ તેમાં જોડાશે. પ્રધાનમંત્રી પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકમાં ભાગ લીધા બાદ તેઓ કમલમ ખાતે જ ભોજન લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારબાદ રાજ ભવન ખાતે પહોંચીને રાજ્યપાલને મળશે.
પ્રધાનમંત્રી જીએમડીસી ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. રાજ્યનું વહીવટી તંત્ર આ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યું છે. પ્રધાનમંત્રી ૧૨ માર્ચના રોજ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનું લોકાર્પણ કરીને પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી સાંજે ૦૬:૦૦ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમ્યાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે..