કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ અમિત શાહના નામનો ઉલ્લેખ કરીને તડીપાર હાય-હાયના નારા ગૃહમાં લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યની સહકારી ક્ષેત્રની મંડળીઓની સહાય વધારવા અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો અને નિવેદન કર્યું હતું કે વડાપ્રધાન મોદીના ક્રાંતિકારી આ નિર્ણયથી હવે ઇન્કમટેક્સનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવા-ધમકાવવા માટે આ ઉપયોગ થશે. બીજી તરફ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ઊભા થયેલા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે નિવેદન કર્યું હતું કે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે મોદીને ભીંસમાં લીધા હતા.
સીબીઆઈનો દુરુપયોગ કરીને અમિત શાહને જેલમાં નાખ્યા હતા. જોકે ભાજપના મંત્રી જગદીશ પંચાલના આ જવાબથી કોંગ્રેસના સભ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો અને ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન ઉપનેતા શૈલેષ પરમારે સ્પષ્ટતા કરી હતી કે તમારા ભાજપના મંત્રી વિધાનસભા ગૃહ અને રેકોર્ડ પર ખોટી વિગતો અને માહિતી આપે છે. ખરેખર તો જે સીબીઆઈની વાત કરો છો એ સમયે અમિત શાહને જેલમાં નાખનારી ગુજરાતની ભાજપ સરકારની પોલીસ જ હતી અને તમારી સરકારની પોલીસે તેમને પણ એન્કાઉન્ટર કેસમાં પકડીને જેલમાં નાખ્યા છે. આવું નિવેદન કરતાં ગૃહમાં ફરીથી હંગામો થયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય અને ઉપનેતા શૈલેષ પરમાર આક્રમક થયાં હતાં. ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુની સહાય 1 લાખ ૭ હજારને ચૂકવી, જયારે સરકાર સ્વીકારે છે કે માત્ર કોરોનાથી ૧૦,૧૧૬ લોકોના જ મોત થયા છે.તો પછી ૫૮૫ કરોડની માંગણી કરી ૫૦ હજારની સહાય કેમ ચૂકવે છે? રાજસ્થાન પંજાબ ઝારખંડ અને છત્તીસગઢની સરકારે વડાપ્રધાન મોદીને પત્ર લખી ૪ લાખની સહાયમાં ૧ લાખ રાજય સરકાર અને ૩ લાખ કેન્દ્ર સરકાર આપે તેવો માંગણી કરતો પત્ર લખ્યો તો ૨૭ વર્ષથી સત્તામાં છો તો તમે ૪ લાખ ચુકવવા પત્ર કેમ ન લખ્યો? જ્યારે ગુજરાતમાં કોરોનાનું રુદ્ર સ્વરૂપ હતું ત્યારે સરકારના અધિકારીઓ વિજય ભાઈ અને નીતિન ભાઈને પરિસ્થિતિનો સાચો રિપોર્ટ કરતા નહોતાં કે સાચી હકીકત જણાવતા નહોતાં. ત્યારે મેં રૂપાણી અને નીતિન ભાઈનું ધ્યાન દોર્યું હતું કે તમારા અધિકારીઓ તમને ગેરમાર્ગે દોરે છે. તે બન્ને માન્યા નહીં અને સ્થિતિ વધુ બગડી.
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન અધવચ્ચેથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજરી આપવા આવ્યા હતા. જોકે આ સમયે સામે પ્રેક્ષક ગેલરીમાં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ચાલુ ચર્ચામાં એવી બૂમ મારી કે આવો, આવો ભાવિ મુખ્યમંત્રીશ્રી આવો, એવું નિવેદન કરતાં ભાજપના સભ્યો પણ ખિલખિલાટ હસી પડ્યા હતા, જ્યારે નીતિનભાઈ પટેલ અને વિજય રૂપાણી પણ પ્રતાપ દૂધાતની કોમેન્ટ અને ટોનથી આકર્ષિત થયા હતા અને ગૃહમાં જ તમામ ધારાસભ્યો હસી પડ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી થી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને શુક્રવારે વિધાનસભાનું બજેટ સત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ શુક્રવારે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્રભાઈ ગુજરાત આવવાના હોવાથી શુક્રવારે એક દિવસની રજા રાખવામાં આવશે. જેની જગ્યાએ આગામી ૧૬ માર્ચે મળશે બે બેઠક મળશે વિધાનસભાના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી શુક્રવારે ૧૧ મી એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત આવી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે આયોજિત સરપંચ સંમેલન કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે તો બીજી તરફ ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર નું આખું પ્રતિનિધિ મંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે જેના કારણે 11 માર્ચ શુક્રવારે વિધાનસભાના બજેટ સત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યારબાદ બીજો અને ચોથો શનિ રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.