નેશનલ મેડિકલ કમિશન નીટ-અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટેની વય મર્યાદાનો નિયમ હટાવી દીધો છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (નીટ)ને લખેલા પત્રમાં નેશનલ મેડિકલ કમિશને કહ્યું કે, નીટ – અંડર ગ્રેજ્યુએટની પરીક્ષામાં બહાર પાડવામાં આવતા સુચના બુલેટીનમાં મહત્તમ વય મર્યાદા હટાવવામાં આવે.
નેશનલ મેડિકલ કમિશનની ચોથી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, નીટ અંડર ગ્રેજ્યુએટ (નીટ યુજીની) પરીક્ષામાં ભાગ લેવા માટે કોઈ વય મર્યાદા ના હોવી જોઈએ. આ વય મર્યાદાના નિયમને હટાવવા માટે પરીક્ષાની જાહેરાત પ્રસિદ્ધિમાં ફેરફાર કરવામાં આવે. આ હેતુ માટે સ્નાતક ચિકિત્સા શિક્ષા ૧૯૯૭ના નિયમોમાં ફેરફાર કરવા માટેની સત્તાવાર સુચના બહાર પાડવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશન દેશની મેડિકલ શિક્ષણની મુખ્ય નિયામક સંસ્થા છે.
અગાઉ નીટ યુજીની પરીક્ષા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૫ વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે ૩૦ વર્ષ હતી.