ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે.
ઉત્તરપ્રદેશમાં રુઝાનમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાંજે બીજેપી હેડક્વાર્ટર પર સાંજે વિજયોત્સવ મનાવશે અને મોદી કાર્યકર્તાઓને સંબોધન કરે એવી પણ શક્યતા છે. ગોરખપુર બેઠક પરથી યોગી ૧ લાખ મતોથી જીત્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું: લોકોના ચુકાદાને નમ્રતાથી સ્વીકારો. જનાદેશ જીતનારને શુભેચ્છાઓ.
કોંગ્રેસના તમામ કાર્યકરો અને સ્વયંસેવકોની મહેનત અને સમર્પણ માટે હું તેમનો આભાર માનું છું.
અમે આમાંથી શીખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરતા રહીશું.
પંજાબમાં જીત પછી અરવિંદ કેજરીવાલે સંબોધનમાં કહ્યું હતું કે પંજાબમાં જીત મળી છે, જે મોટા માથાઓ હતા તે બધાં હારી ગયાં છે. અમે પ્રામાણિકતાનું રાજકારણ શરૂ કર્યું અને આખી સિસ્ટમને બદલી દીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરેક પાર્ટીએ અમારી વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં હતાં, એ સફળ ના થયાં તો તેમણે મને આતંકવાદી પણ કહી દીધું હતું. પરંતુ આજે જનતાએ પુરાવો આપી દીધો છે કે હું આતંકવાદી નહીં, પરંતુ એક સાચો દેશભક્ત છું. અમે એક એવું ભારત બનાવીશું, જ્યાં દરેક બાળકને શિક્ષણ મળશે.
જીત પછી ભગવંત માને કહ્યું કેસ, અમે બધા સાથે મળીને સેવા કરીશું. જેવી રીતે મતદાન કર્યું છે તેવી જ રીતે એક જૂથ થઈને પંજાબ ચવાલીશું. પહેલાં પંજાબ મહેલોથી ચાલતું હતું હવે પંજાબ ગામડાઓથી ચાલશે. બધા મોટા માથાઓ હારી રહ્યા છે. અમે લખીને આપ્યું હતું કે ચન્ની સાહેબ હારી રહ્યા છે અને તેવું થયું.
ભગવંત માને કહ્યું, સરકાર બન્યા પછી અમારુ પહેલું કામ બેરોજગારી દૂર કરવાનું છે. અમે યુવાનોને રોજગાર આપીશું. તમે મારા પર વિશ્વાસ રાખજો. તમને એક મહિનામાં જ અંતર દેખાશે. ભગવંત માને કહ્યું કે, તમને પંજાબની કોઈ પણ ઓફિસમાં મુખ્યમંત્રીનો ફોટો નહીં દેખાય. માત્ર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો દેખાશે.
ભગવંત માને જાહેરાત કરી છે કે તેઓ રાજભવન નહીં પરંતુ ખટકર કલામાં શપથ લેશે. નોંધનીય છે કે, ખટકર કલા શહીદ એ આઝમ ભગત સિંહનો ગૃહ જિલ્લો છે.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઈવીએમના વિરુદ્ધમાં વિરોધ ધરણાં શરૂ કરી દીધા છે. પાર્ટી ઓફિસની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ પોસ્ટર લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ગોવા-પંજાબ-મણિપુરમાં ફરી હારનો સામનો કરવો પડ્યો છે.