દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
પક્ષના આ ખરાબ દેખાવની અસર રાજ્યસભામાં પણ જોવા મળી શકે છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવાને પગલે કોંગ્રેસ હવે માત્ર બે રાજ્યો સુધી મર્યાદિત થઈ ગઈ હોવાથી અને પંજાબમાં આપે જંગી બહુમતી મેળવી હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસની બેઠકો ઘટવાની શક્યતા છે. કોંગ્રેસની બેઠકો ઘટશે તો તેણે રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવવો પડે તેવી પણ સંભાવના છે. બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતની સાથે ચાર રાજ્યોમાં વિજયના પગલે રાજ્યસભામાં ભાજપની બેઠકો ૧૦૦ને પાર થઈ શકે છે.
પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજયની સાથે અત્યંત કારમા દેખાવના કારણે રાજ્યસભાની તેની બેઠકો પર અસર થશે. વધુમાં આ વર્ષે રાજ્યસભા માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પછી કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે. આ બધામાં વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે કોંગ્રેસ પાસે લઘુત્તમ સંખ્યા પણ નહીં હોય તેવી શક્યતા છે.
રાજ્યસભામાં કોંગ્રેસના ૩૪ સભ્યો છે અને આ વર્ષે તે ઓછામાં ઓછી સાત બેઠકો હારવાની શક્યતાને પગલે કોંગ્રેસ ૨૭ બેઠકોના વિક્રમી નીચા સ્તરે સમેટાઈ જશે. માપદંડો મુજબ વિપક્ષનો દરજ્જા માટે એક પક્ષ પાસે ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા ૧૦ % સભ્યો હોવા જોઈએ. હાલ આ આંકડો ૨૫ સભ્યોનો છે અને મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે. જોકે, કોંગ્રેસ લોકસભામાં ૧૦ % સભ્યો પણ ન ધરાવતી હોવાથી નીચલા ગૃહમાં તેની પાસે વિપક્ષના નેતાનો દરજ્જો નથી.