હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી, ગુજરાતમાં હોળી પહેલાં જ ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચશે

ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી પહોંચશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચ્યું છે.

રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે આગામી ૫ દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં હાલ હોળી પહેલાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર, અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે. ૧૦થી ૧૬ માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને ૪૦ ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *