સંસદના બજેટસત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત થશે. સંસદ સત્રની લોકસભા અને રાજ્યસભાની બેઠક સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી મળશે.
દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાતા હવે સંસદસત્રની બેઠકોનું સંચાલન સામાન્ય ધોરણે શરૂ થશે. જોકે સંસદ સત્ર દરમિયાન પહેલાની જેમ જ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.
બજેટ સત્રના પ્રથમ ચરણમાં રાજ્યસભાની કાર્યવાહી સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી સાંજે ૦૪:૦૦ વાગ્યાથી રાતે૦૯:૦૦ વાગ્યા સુધી ચાલી હતી.આ સત્રમાં રાજ્યસભામાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ એક કલાકનો રહેશે.
સાંસદોની બેઠક વ્યવસ્થામાં આ વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. વિઝિટર ગેલેરીમાં પ્રવેશ હજી બંધ રહેશે. બંને ગૃહોના સભ્યો જ મધ્યસ્થ ખંડમાં પ્રવેશ મેળવી શકશે. બજેટના દ્વિતીય ચરણમાં અનેક મહત્વપુર્ણ વિધેયક પર ચર્ચા થશે.
નાણાકીય વિધેયક ૨૦૨૨, પ્રતિસ્પર્ધા સંશોધન વિધેયક,પેન્શન કોષ નિયામક અને વિકાસ સંશોધનના વિધેયકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ૩૧ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત થઇ હતી. ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલેલા પ્રથમ ચરણમાં ૧૦ બેઠકો મળી હતી. આ સત્રમાં પણ સત્તાધારી પક્ષને વિરોધપક્ષના સહયોગની અપેક્ષા છે.