સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નવા સંસદભવન સાથે સંકળાયેલા સેંટ્રલ વિસ્ટા એવન્યૂના રીડેવલપમેન્ટ પાછળ અત્યાર સુધીમાં ૪૧૮.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મે મહિના સુધી પૂર્ણ કરી લેવાની સરકારે ખાતરી આપી છે.
સેંટ્રલ વિસ્ટા એવન્યૂનો પ્રથમ ફેઝ ૨૬મી જાન્યુઆરી સુધી પુરો થઇ જવાનો હતો. જોકે તે અધુરો રહી ગયો છે. હવે રાજ્યસભામાં સરકારે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ મે મહિનામાં પુરો કરી લેવામાં આવશે. આવાસ તેમજ શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરે સોમવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી.
આ યોજના પાછળ અત્યાર સુધીમા સરકાર દ્વારા ૪૧૮.૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ શકલના એક પ્રશ્નના લેખીત જવાબમાં કિશોરે કહ્યું હતું કે આ યોજનાનો પ્રથમ તબક્કો મે, ૨૦૨૨ સુધીમાં પુરો કરી લેવામાં આવશે. સેંટ્રલ વિસ્ટા એવન્યૂના પુનર્વિકાસ પાછળ સરકાર ૧૩,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઇ રહી છે. આ પ્રોજેક્ટને લઇને ઘણા વિવાદો પણ સામે આવ્યા છે.