ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામે રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવીને હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ હોળીના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ ૧૫ દિવસ પહેલાંથી કરવામાં આવે છે. જેમાં ગામના ૮૦ જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને ૩૫ ફૂટ જેટલો ઊંચો લાકડાનો ખડકલો કરી હોળી તૈયાર કરે છે. જ્યારે અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.
હોળી પર્વનું નામ આવે કે તરત જ આપણા માનસપટ પર અવનવા રંગબેરંગી રંગો સામે આવી જાય છે. હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.