RMC પાણી વિતરણ બંધ: રાજકોટના શહેરીજનોને રવિવારે રહેવુ પડશે તરસ્યા

ઉનાળાની શરુઆતમાં જ રાજકોટવાસીઓને પાણી માટે વલખાં મારવા પડી શકે છે. આવતીકાલે શહેરીજનોને તરસ્યા રહેવું પડી શકે છે. કારણ કે આવતીકાલે એટલે કે રવિવારે રાજકોટના ૬ વોર્ડમાં પાણી કાપ રહેશે. પાણી કાપને લઈ ૬ વોર્ડની ૭૦થી વધુ સોસાયટીઓમાં પાણી નહીં મળે. રાજકોટ કોર્પોરેશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે ૧૧ એમએમ ડાયાની સપ્લાય લાઈન શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને પાણીકાપ રાખવામાં આવ્યો છે. રાજકોટના ૬ વોર્ડમાં આ કામગીરીને કારણે અસર વર્તાશે અને અહીં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે.

રાજકોટના વોર્ડ નં. ૨, ૩, ૭, ૮, ૧૦ અને ૧૧માં પાણી વિતરણ બંધ રહેશે. આ છ વોર્ડમાં હનુમાન મઢી, આમ્રપાલી, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજકોટમાં પહેલેથી લોકોને પાણીની સમસ્યા રહે છે. તેમાં પણ વાંરવાર પાણીકાપના પગલે લોકોને વધુ હાલાકી સહન કરવી પડે છે. ત્યારે ફરીએક વાર સપ્લાય લાઈન શિફ્ટિંગના નામ પર રાજકોટની જનતાને પાણી વિતરણ કરવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *