અમદાવાદ પોલીસથી પ્રજા પરેશાન છે?

અમદાવાદ શહેરનાં સંયુક્ત પોલીસ કમિશનર ગૌતમ પરમારે કાગડાપીઠ, અમરાઇવાડી અને દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને ફરિયાદ નોંધવામાં આનાકાની કરનારા બે પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાંખ્યા. ખુદ સંયુક્ત પોલીસ કમિશનરને થયેલા કડવા અનુભવ જેવી સ્થિતિ અમદાવાદની અપરાધનો ભોગ બનેલી પ્રજાને રોજેરોજ સહન કરવી પડતી હોવાની સ્થિતિ અમદાવાદમાં છે.

પોલીસની “બર્કિંગ” થિયરી નવી નથી પરંતુ તેનો વ્યાપ હાલની સ્થિતિએ ચરમસીમાએ પહોંચ્યો છે. તેની પાછળ અનેક કારણ જવાબદાર છે. રિયાલીટી ચેક કરનારા સંયુક્ત પોલીસ કમિશનર હતા માટે તેમણે પોતાની સત્તાનો પાવર વાપરીને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા પરંતુ સામાન્ય પ્રજા ગળે ડૂમો ઉતારી જાય તેમ પોતાના ભાગ્યને દોષ આપી મનોમન પોલીસને ભાંડીને થાકીહારી જાય છે.

શહેરના સર્વોચ્ચ પોલીસ અધિકારી પાસે જઇને રજૂઆત પણ નથી કરી શકતા કારણ સાહેબ ફોન પણ નથી ઉપાડતા અને સીધા કોઇને મળતા જ નથી. તેમનો સ્ટાફ જ જેતે જગ્યાએ રજૂઆત કરવાનું કહી ફરિયાદીઓને રીતસરના હડસેલી મૂકે છે.

અમદાવાદ શહેરના કેટલાય સિનિયર પોલીસ અધિકારીઓ અમદાવાદમાં સર્જાયેલી સ્થિતિ અંગે કહે છે કે, પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે કે, જે પણ ગુનામાં ૨૫ લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ કે સંપતિની વાત આવતી હોય તો અરજીની તપાસ માટે અને તપાસ પછી ગુનો નોંધવા માટે તેમની મંજૂરી મેળવવી. આ મંજૂરીના નામે કેટલાય કિસ્સામાં પીડિતોને ન્યાય નથી મળતો અથવા ન્યા મળવામાં મોડુ થાય છે. કેટલાક કિસ્સામાં તો આ ખેંચાયેલા સમયના કારણે પોલીસને તપાસ દરમિયન પુરાવા મેળવવા પણ મુશ્કેલ બન્યાની સ્થિતિ સર્જાઇ હોવાનું કહેવું છે. પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગવી પડશે તેમ કહી અનેક ફરિયાદીઓને દિવસો સુધી રઝળાવવામાં આવી રહ્યાં છે અને ફરિયાદી થાકે ત્યારે પોલીસ પોતાની “ઇચ્છા”ઓને અંજામ આપી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *