ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં સરકારની રચના અંગે ચાલતી કવાયત વચ્ચે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે ભાજપના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં સરકારની રચના અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ૨૫મી માર્ચે વડાપ્રધાન મોદીની હાજરીમાં ઈકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે તેમના મંત્રીમંડળમાં સ્વતંત્રદેવ સિંહ, ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી એ.કે. શર્મા અને અસીમ અરુણને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગામી સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બાવન મંત્રીઓ હશે. નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ.કે. શર્મા અને સ્વતંત્રદેવ સિંહની પસંદગી કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ સિવાય સિરાથુ બેઠક પરથી હારી ગયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.
ભાજપના સૈની અને મૌર્ય મતદારોને સાધવા માટે પક્ષે હારી જવા છતાં કેશવ પ્રસાદ મૌર્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા અંગે સંમતિ સધાઈ હોવાનું મનાય છે. આ સિવાય કોંગ્રેસમાંથી આવેલા જિતિન પ્રસાદને પણ યોગી સરકારની નવી કેબિનેટમાં સ્થાન મળવાની વ્યાપક સંભાવનાઓ છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓમાં ભૂતપૂર્વ એડીજી અસીમ અરુણનો નાયબ મુખ્યમંત્રી તરીકે સમાવેશ થઈ શકે છે. વધુમાં ઈડીના ભૂતપૂર્વ નિદેશક રાજેશ્વર સિંહ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
યોગી મંત્રીમંડળમાં ભૂતપૂર્વ રાજ્યપાલ બેબીરાની મૌર્યને મોટી ભૂમિકા આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય મહિલાઓ તરીકે નવા ચહેરામાં અદિતિ સિંહ અને અપર્ણા યાદવનો પણ સમાવેશ થઈ શકે છે. અપર્ણા યાદવ સમાજવાદી પક્ષના મેન્ટર મુલાયમસિંહ યાદવની પૂત્રવધુ છે. તેમને રાજ્યમંત્રી બનાવાય તેવી સંભાવના છે. યોગી સરકારના પહેલા મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓને ભાજપ આ વખતે સ્થાન ન આપે તેવી શક્યતાઓ છે.
કેબિનેટ મંત્રીઓ સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની છબી યોગ્ય નથી તેમને આ વખતે મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો બતાવાઈ શકાય છે.