ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે ઘરેલુ સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એ આજથી એટલે કે ૨૨ માર્ચથી ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ૮૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તેના થોડા દિવસ અગાઉ જ પ્રમુખ દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨-૫ રૂપિયાનો વધારો કર્યો હતો. આમ, સામાન્ય જનતાને એક સાથે મોંઘવારીનો માર પડ્યો છે.
સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણા મહિનાના અંતર બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ ૦૬/૧૦/૨૦૨૧ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત આજથી ૮૯૯.૫૦ રૂપિયાથી વધીને ૯૪૯.૫ રૂપિયા થઈ ગઈ છે.
અમદાવાદમાં રાંધણ ગેસનો જૂનોભાવ રૂ. ૯૦૬.૫૦, નવો ભાવ રૂ. ૯૫૬.૫૦, પેટ્રોલમાં 80 પૈસા ડીઝલમાં 86 પૈસાનો વધારો થયો છે. શાકભાજીમાં મરચાનો ભાવ રૂ.૧૨૦ કિલો, ભીંડા રૂ. ૮૦ કિલો, કારેલા રૂ. ૮૦ કિલો, ટિંડોળા રૂ. ૧૨૦ કિલો, દૂધી રૂ. ૮૦ કિલો લીંબુ રૂ. ૧૫૦ કિલો ભાવ થઈ ગયા છે.
મોંઘવારીના મારથી મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.