માત્ર ૪ દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર ૮૦ પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કહેવા પ્રમાણે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૮૦ પૈસાની વૃદ્ધિ બાદ એક લીટર પેટ્રોલની કિંમત ૯૭.81 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલ 89.07 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિના બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો. ત્યાર બાદ ગત મંગળવારથી તેલની કિંમતોમાં વધારો શરૂ થઈ ગયો છે. બે દિવસ સુધી કિંમતમાં વધારો થયા બાદ તેલ કંપનીઓએ ત્રીજા દિવસે ભાવવધારો નહોતો કર્યો પરંતુ આજે ચોથા દિવસે ત્રીજી વખત ઈંધણની કિંમતોમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
IOCLના કહેવા પ્રમાણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તે સિવાય કોલકાતામાં 107.18 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને 92.22 રૂપિયામાં ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યારે ચોથા મહાનગર ચેન્નાઈમાં આજે 103.67 રૂપિયામાં પેટ્રોલ અને 93.71 રૂપિયા પ્રતિ લીટરમાં ડીઝલ વેચાઈ રહ્યું છે.