જામનગર જિલ્લામાં ભાજપના બે આગેવાનોનાં કુટુંબીઓ વચ્ચે પાણીના પ્રશ્ને ઝઘડો થયો હતો. કૃષિમંત્રીના કુટુંબી પર જિલ્લા ભાજપ પ્રમુખના કુટુંબીએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના નિકટવર્તી એવા ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી (ઉં. 60) ઉપર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઠેબા ગામ નજીક આવેલી તેમની વાડીની બાજુમાં જ વાડી ધરાવતા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાનાં નિકટવર્તી એવા વશરામભાઈ રવાભાઈ મુંગરાએ લાકડી અને પથ્થર વડે હુમલો કરી દેતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી ગોરધનભાઈ ભંડેરીને સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યાર પછી હેડ એન્જરી થઈ હોવાથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવને લઇને જામનગર જિલ્લા ભાજપમાં ભારે ગરમાવો આવ્યો હતો. ભાજપના જ બંને રાજકીય આગેવાનોનાં પરિવાર વચ્ચે થયેલી તકરારથી ભાજપ વર્તુળમાં ભારે ચકચાર જાગી હતી. ઇજાગ્રસ્તના પરિવારજનો રાજકોટની ખાનગી હોસ્પિટલે દોડી ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આથી પંચકોશી એ-ડિવિઝનનો પોલીસ કાફલો સૌપ્રથમ જ્યાં બનાવ બન્યો હતો, તે ઠેબા ગામ નજીક અને ત્યાર પછી રાજકોટની ખાનગી હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત એવા ગોરધનભાઈ ભંડેરીની ફરિયાદના આધારે તેઓ ઉપર પાણીના નિકાલ પ્રશ્ને તકરાર કરી લાકડી-પથ્થર વડે હુમલો કરી માથામાં ઇજા પહોંચાડવા અંગે વશરામભાઈ રવાભાઈ મુંગરા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 326, 325, 323 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.