એસ જયશંકર વિદેશ મંત્રી આજથી ૩૦ માર્ચ સુધી માલદીવ અને શ્રીલંકાની ચાર દિવસીય મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, એસ જયશંકર ૨૬ થી ૨૭ માર્ચ સુધી બે દિવસીય પ્રવાસ માટે આજે માલદીવ પહોંચશે,
૨૮ માર્ચથી શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાત લેશે જેમાં તેઓ ૨૯ માર્ચે BIMSTEC મંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી માલદીવના અડૂ શહેરની મુલાકાત લેશે જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને મળશે અને માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા શાહિદ સાથે પણ બેઠક કરશે.
એસ જયશંકર વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વિકાસ સહયોગ સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ દરમિયાન તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે જે ભારત સમર્થિત પ્રોજેક્ટ હશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત માલદીવના સામાજિક-આર્થિક વિકાસમાં તેના યોગદાનને પ્રોત્સાહન આપશે અને તેની સુરક્ષા વધારવા પર પણ ભાર આપશે.
શ્રીલંકા ૫મી BIMSTEC સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર BIMSTEC મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. BIMSTECએ બંગાળની ખાડીના પ્રાદેશિક દેશોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં ભારત, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, થાઈલેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના અધ્યક્ષ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભૂતકાળમાં શ્રીલંકાના નાણામંત્રી અને વિદેશ મંત્રી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા.