મોંઘવારી: જામનગરનો બ્રાસ ઉદ્યોગમાં ભાવ વધારો કરિયો

ગુજરાત જામનગરમાં નાના-મોટા આશરે ૯ હજારથી વધુ બ્રાસના કારખાનાઓ આવેલા છે. જેના કારણે જામનગરને બ્રાસ સિટીનું ઉપનામ પણ મળ્યુ છે. પરંતુ બ્રાસ ઉદ્યોગની હાલત અનેક કારણે કફોડી બની છે. જામનગરના ઉદ્યોગો અનેક મુશ્કેલીથી ઘેરાતા જઈ રહ્યા છે. આ ઉદ્યોગોને ટકાવવા માટે જંગ જેવી સ્થિતી સર્જાઈ છે. પહેલા કોરોના પછી મંદી, હવે કાચા માલમાં ભાવ વધારો, કોલસા સહિતની વસ્તુઓ મોંઘી થતા નુકસાન સાથે વેપાર કરવા કારખાનેદાર મજબુર થયા છે. આ ઉદ્યોગોમાં ખાસ કરીને બ્રાસ ઉદ્યોગને ફટકો પડતા ઉદ્યોગકારોની કફોડી હાલત થઈ છે.

જામનગરના ઉદ્યોગોને પહેલા કોરોનાના કારણે ૨ વર્ષ ઉદ્યોગને મોટો ફટકો પડયો હતો. બાદમાં રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે આયાત-નિકાસ પર અસર થઈ, જેના કારણે બ્રાસ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. હવે કાચો માલ, કોલસો, ગેસ,ઓઈલ, સહિતના કમરતોડ ભાવ વધારા સામે મંદી અને હરીફાઈમાં વધુ ભાવ મળી શકતા નથી. બ્રાસ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. છેલ્લા છ માસથી અનેક વસ્તુઓના ભાવ વધારાથી ઉદ્યોગ પર આર્થિક સંકટ તોડાયુ છે.

જામનગરના કારખાનામાં બ્રાસ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ પર કમરતોડ ભાવ વધારો લાગુ થયા છે. પરંતુ સામે તૈયાર બ્રાસના ભાવમાં વધારો થયો નથી. હાલમાં બ્રાસનો કાચો માલ કે ભંગાર કિલોના ૩૫૦ થી વધી ૫૪૦ રુપિયા થયો છે. ભંગારને ઓગાળવા માટે ભઠ્ઠી ચાલતી હોય જેમાં કોલસાની જરૂર હોય છે. જે કોલસાના એક ટનના ૩૨,૦૦૦થી વધીને ૫૫,૦૦૦ રુપિયા થયા છે. તો ફર્નેસ ઓઈલનો ભાવ જે ૨૫-૨૬ રૂપિયા લીટર હતો, તે વધીને ૪૯-૫૦ રુપિયા થયો છે તો ગેસ પર યુનિટના ૫૪ રૂપિયાથી વધીને 112 રૂપિયા છે.

છેલ્લા છ માસમાં બમણાથી વધુ ભાવ વધારો થતાં અનેક મુશ્કેલી સાથે કારખાના ચાલે છે. ત્યારે કારખાનેદારોની માગ છે કે જે કાચામાલ પર જીએસટી લાગુ પડે છે. તે દર ઓછા કરીને થોડી રાહત બ્રાસ ઉદ્યોગને આપવામાં આવે. હાલ બ્રાસનો ઉદ્યોગ ઓક્સિજન પર હોય તેવી કફોડી હાલત છે. એક તરફ અન્ય મેટલની સામેની હરીફાઈ, વધતી જતી મોંઘવારી સાથે કાચા માલ સહિતના ભાવ વધારા સામે આવકમાં વધારો ના થતા બ્રાસ ઉદ્યોગના વિકાસની ગતિ પર બ્રેક લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *