કેરી એ ફળોનો રાજા છે અને આલ્ફોન્સો એટલે કે હાફુસ કેરીઓમાં વિશેષ છે. તેથી જ લોકો તેની આતુરતાથી રાહ જુએ છે. આ રાહ હવે પૂરી થઈ છે. સિઝનની શરૂઆતથી અનેક અવરોધોને પાર કર્યા બાદ હવે કેરી સ્થાનિક બજારમાં પહોંચી છે. અગાઉ હાફુસ કેરી મુખ્ય બજારમાં જ પહોંચતી હતી પરંતુ હવે આ કેરીનું આગમન રત્નાગીરી જિલ્લાના પાવાસ, ગણેશગુલે અને ગણપતિપુલે જેવા તમામ સ્થાનિક બજારોમાં શરૂ થઈ ગયું છે. આ વર્ષે નુકસાન છતાં હાફુસ કેરીના ભાવ યથાવત્ છે. નુકસાન બાદ ભાવ ઘટવાની ધારણા હતી, પરંતુ હાફુસ કેરીએ તેનું મૂલ્ય જાળવી રાખ્યું છે. હાલમાં એક ડઝન હાફુસની કિંમત રૂ.૧,૨૦૦ થી રૂ.૨,૦૦૦ સુધીની છે.
આ વર્ષે હાફુસ (આલ્ફોન્સો) કેરી બજારોમાં મોડી પહોંચી છે. વેપારીઓનું કહેવું છે કે ‘કેરીના ભાવ ઘટતા હજુ સમય લાગશે’. બીજી તરફ, વાશી એપીએમસી, નવી મુંબઈના ફ્રૂટ ડિરેક્ટર સંજય પાનસરે જણાવ્યું હતું કે આ વખતે હાફુસ કેરીના ૨૫,૦૦૦ બોક્સ વાશી મંડીમાં પહોંચી રહ્યા છે. જેની બજાર કિંમત રૂ.૧,૫૦૦ થી રૂ.૪,૦૦૦ સુધી ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં રૂ.૫૦૦ થી ૭૦૦નો વધારો થયો છે. પાનસરે જણાવ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં ભાવ નીચે આવી શકે છે.
મુખ્ય બજાર બાદ હવે રત્નાગીરી જિલ્લાના સ્થાનિક બજારમાં હાફુસ (આલ્ફોન્સો) કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી નજીકના ગણેશગુલે અને ગણપતિપુલે સ્થાનિક બજારોમાં કેરીઓ આવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષ ભાવમાં ૫૦૦ થી ૭૦૦ રૂપિયાનો વધારો છે તેથી કેટલાક સામાન્ય ગ્રાહકો ઇચ્છે તો પણ ખરીદી નથી શકતા. કેરીના ભાવ ઘટવા માટે મે સુધી રાહ જોવી પડશે. અત્યારે તો પૈસાવાળા જ તેનો સ્વાદ ચાખી શકશે.