ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્ય તેલના ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ ૩૦ રૂપિયા વધ્યો છે
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. સિંગતેલનો ભાવ ૨૦ રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ ૩૦ રૂપિયા વધ્યો છે. છેલ્લા ૪ વર્ષની સરખામણીએ કપાસિયા તેલનો ભાવ સૌથી ઊંચો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨,૬૯૦ રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨,૬૪૦ રૂપિયા થયો છે.. બંને તેલના ભાવમાં ફક્ત ૫૦ રૂપિયાનો જ તફાવત છે. છેલ્લા એક માસમાં સિંગતેલમાં રૂ.૨૯૦અને કપાસિયા તેલમાં રૂ.૨૭૫નો ભાવ વધારો આવ્યો છે.
માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડૂતોનો માલ આવતો નથી. આ તકનો લાભ લઈને સંગ્રહખોરો પોતાની પાસે રહેલી મગફળી- કપાસ ઊંચા ભાવે વેચી રહ્યા છે.
સિંગતેલ અને કપાસિયા તેલમાં વધુ ભાવ જોવા મળે છે. અન્ય તેલના ભાવની વાત કરીએ તો પામોલીન તેલ રૂ.૨,૩૭૦ , સરસવ રૂ.૨,૫૦૦ , સન ફ્લાવર રૂ.૨,૪૭૦ , કોર્ન ઓઈલ રૂ.૨,૩૪૦ , વનસ્પતિ ઘી રૂ.૨,૫૩૦ , કોકોનેટ રૂ. ૨,૬૨૦ , દિવેલ રૂ.૨૪૦૦ના ભાવે વેચાઈ રહ્યું છે.