ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં સાંસદો સાથે નવી દિલ્હીમાં એક બેઠક કરી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ હાજર રહ્યા હતા. જેમાં પીએમ દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ ચૂંટણી માટે અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે વર્ષે ભાજપ એ ચૂંટણીમાં ૧૮૨નું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં પંજાબને બાદ કરીયે તો ૪ રાજ્યો માં ભાજપને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવામાં સફળતા મળી છે ત્યારે ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે સાથે જ પીએમનું હોમ ટાઉન છે ત્યારે ગુજરાતની ચૂંટણીને લઈને પીએમ મોદી સતત ગુજરાતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આજે બેઠકમાં કેટલાક મહત્વના સૂચનો કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં રાજ્યસભા અને લોકસભામાં સાંસદ હાજર રહ્યા હતા. જેમાં તમામ સાંસદોને પોતાની લોકસભા બેઠક વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં જનસંપર્ક કરવાની સૂચના આપી હતી. સાંસદોને કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જનસંપર્ક અને જાહેર કાર્યક્રમો કરવાનું સૂચન આપ્યું હતું. ઉપરાંત વિવિધ મોરચા અને જ્ઞાતિઓના સંમેલન કરવા અને ૫ વર્ષમાં રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની કામગીરી સાથે લોકો વચ્ચે જવા સુચના આપી હતી.
વડાપ્રધાને સંસદોને સામાજિક અને રાજકીય સંમેલન કરવા, યુવાઓ માટે ખાસ કાર્યક્રમ કરવા અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના આગામી ૩ મહિનામાં પુરી પાડવી પણ જણાવ્યું હતું. સાસંદોને ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત કરવા, સતત સરપંચ સંમેલન કરવા, વિસ્તારની સમસ્યાઓના ઝડપથી સમાધાન લાવવા અને વહીવટી પ્રોસેસના કારણે સામાન્ય લોકોને અગવડ ના પડે એનું ધ્યાન રાખવવા સૂચના આપી હતી.
વડાપ્રધાને સુચના આપી હતી કે તમામ લોકસભામાં સરપંચથી માંડીને પેજપ્રમુખ,એમએલએ તથા સ્થાનિક હોદ્દેદારોનું એક યુનિટ બનાવવું, સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર મુકવા અને જાહેર કાર્યક્રમોના માધ્યમથી જનસંપર્ક કરવા તથા મહિલાઓ તથા સિનિયર સીટીઝન સાથે જનસંપર્ક માટે આયોજન ગોઠવવા ઉપરાંત ફસ્ટ ટાઈમ વોટર્સની અલગ યાદી તૈયાર કરવા અને સમાજના વિવિધ વર્ગમાં પ્રબુદ્ધ લોકોને ભાજપ સાથે જોડવા સુચના આપી હતી.