ઈંધણની સરકારી કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે તો બીજી તરફ ખાનગી પેટ્રોલ પંપોમાં પેટ્રોલ મળી રહ્યું નથી. પેટ્રોલ પુરવઠાના સંકટના કારણે અમરાવતી સહિત મહારાષ્ટ્રમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યના ખાનગી પેટ્રોલ પંપ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. અમરાવતીમાં છેલ્લા ૧૫ દિવસથી ખાનગી પેટ્રોલ પંપ બંધ છે. અમરાવતી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે.
મહારાષ્ટ્રમાં આજે નાગપુરના પેટ્રોલ પંપ માલિકો અને સપ્લાયર કંપનીઓના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સપ્લાયર કંપનીઓ પાસેથી સમસ્યાના ઉકેલ માટે ૨૪ કલાકનો સમય માંગવામાં આવ્યો હતો. કંપનીઓએ બલ્ક ગ્રાહકો માટે ઈંધણના દરમાં વધારો કર્યો હતો. ડીઝલના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો છે. તેની સરખામણીમાં રિટેલ ગ્રાહકો માટે ઈંધણના દરમાં વધારો કરવામાં આવ્યો નથી.


મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૦ થી ૧૫ દિવસથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ન મળવાના કારણે ખાનગી પેટ્રોલ પંપ માલિકોએ પંપ બંધ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. અમરાવતી જિલ્લામાં પેટ્રોલનો દર ૧૧૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. ડીઝલ રૂ.૯૫ પ્રતિ લીટર મળી રહ્યું છે. અમરાવતી જિલ્લામાં એસ્સાર, રિલાયન્સ જેવી કંપનીઓના પેટ્રોલ પંપ પુરવઠો ન મળવાના કારણે બંધ છે. અગાઉ ૨૦૦૮માં પણ આ રીતે જ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત ૧૫૦ બેરલ પ્રતિ લીટર થઈ ગઈ હતી. રિલાયન્સ સરકારી કંપનીઓની જેમ સબસિડી દરે ઈંધણનું વેચાણ કરી શકે નહીં. સરકારી કંપનીઓને સરકારી અનુદાન આપવામાં આવે છે.