પરિક્ષા પે ચર્ચાની ૫મી આવૃત્તિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૦૧/૦૪/૨૦૨૨ના રોજ બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આ ઇવેન્ટ એપ્રિલમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે વર્ચ્યુઅલ મોડમાં યોજવામાં આવી હતી.
ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યભરની અનેક શાળાઓમાં ૫૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧ એપ્રિલે યોજાનારી ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.ગુજરાતના શિક્ષણ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, ૧ એપ્રિલના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાનારી પરીક્ષા પે ચર્ચાની આ આવૃત્તિ પાંચમી આવૃત્તિ હશે.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમના ભાગ રૂપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે તેમની ટૂંક સમયમાં યોજાનારી પરીક્ષાઓ દરમિયાન શાંત રહેવા અને ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વાતચીત કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ધોરણ ૬, ૭, ૮, ૯ અને ૧૧ના ૫૫.૮૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ ૧ એપ્રિલે ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેશે.”
