નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ૩ દિવસના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓની વચ્ચે મુલાકાત નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને નેપાળના પીએમ વચ્ચે હાલમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારત-નેપાળ સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. અમારી બહુપક્ષીય ભાગીદારી પર વ્યાપક વાટાઘાટો એજન્ડામાં છે. દેઉબાનો આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળવાનો કાર્યક્રમ છે.
નેપાળના વડાપ્રધાન શુક્રવારે ભારત પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંન્દમ બાગચીએ જણાવ્યું કે જુલાઈ ૨૦૨૧માં પદ સંભાળ્યા બાદ દેઉબાની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. નેપાળના વડાપ્રધાનની સાથે તેમની પત્ની આરજુ દેઉબા પણ ભારત આવ્યા છે.
આ મુલાકાત પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું ‘ભારત અને નેપાળના વર્ષો જુના મિત્રતાપૂર્ણ સંબંધ છે. હાલમાં બંને દેશોની વચ્ચે તમામ ક્ષેત્રોમાં સહયોગમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે.’ નિવેદન અનુસાર , ‘નેપાળના વડાપ્રધાનની આગામી મુલાકાત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક ‘દ્વિપક્ષીય જોડાણ’માં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરવાની અને બંને દેશોના લોકોના લાભ માટે તેને વધારવાની તક પૂરી પાડશે.