દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક ખરડો મંગળવારે રાજ્યસભામાં પસાર થયો હતો. એક જટિલ પ્રક્રિયા પછી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીની સંસ્થાઓની કામગીરીમાં સુધારો કરવા માટે લાવવામાં આવેલા બિલને આખરે મંગળવારે મંજૂર કરવામાં આવ્યું હતું. ગૃહમાં કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં બહુમતી જોયા બાદ, નાણાપ્રધાન દ્વારા લાવવામાં આવેલા બીલને મંજૂર કરવામાં આવ્યુ હતુ.
ખરડા થકી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ એમ ત્રણેય સંસ્થાના વ્યવસાયિકો અને તેના કાયદા હેઠળ નોંધાયેલી ફર્મ સામે શિક્ષાત્મક કાર્યવાહી, દેખરેખ અને નિયંત્રણ શક્ય બનશે. કોર્પોરેટ અફેરસ મંત્રાલયના સચિવ અને ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓની એક સમિતિ આ પ્રકારે વ્યવસાય ઉપર દેખરેખ રાખશે.
બિલ પરની ચર્ચાના જવાબમાં સીતારમણે કહ્યું કે, આ બીલમાં એવી કોઈ જોગવાઈ નથી, જે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓની સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરતી હોય. તેમણે એમ પણ કહ્યું કે સરકારનો આ ત્રણેય સંસ્થાઓના કામકાજમાં દખલગીરી કે હસ્તક્ષેપ કરવાનો કોઈ ઈરાદો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી.
લોકસભામાં આ ખરડો માર્ચની તા. ૩૦ના રોજ મંજૂર થયો હતો. હવે રાષ્ટ્રપતિની સહી બાદ આ ફેરફાર અમલમાં બનશે.