અમદાવાદ એરપોર્ટ એક નવો વિક્રમ સર્જવા જઈ રહ્યો છે અને તે છે રન વેની રિકાર્પેટીંગની કામગીરી કરવી. અને આ કામગીરી અમદાવાદ એરપોર્ટ વિવિધ સમસ્યા અને ગરમી વચ્ચે પણ કામ પુરજોશ આગળ વધારી પુરી કરી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ ૧૪૦ ફલાઇટની અવરજવરનું સંચાલન કરી આ કામગીરી કરવામાં આવી રહી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાલી રહેલી રન-વેની રિકાર્પેટીંગની કામગીરીના કારણે રનવે ૯ કલાક માટે બંધ રાખી અને તે સિવાયના ફ્લાઇટ સંચાલનના ૧૫ કલાક દરમિયાન દરરોજ ૧૪૦ ફ્લાઈટ્સનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. એટલે કે મુસાફરોની અવરજવરની સાથે રનવેના રિકાર્પેટીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે એરપોર્ટની સૌથી મોટી સિદ્ધિ મનાઈ રહી છે.
રનવે ૩.૫ કિલોમીટર લાંબો અને ૪૪ મીટર પહોળો છે. જે સમગ્ર રનવેના રિસરફેસિંગનું પાયાનું કાર્ય રનવેની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાનું છે. જેને મજબૂત બનાવવા પ્રોજેક્ટમાં રનવે સ્ટ્રીપના ગ્રેડિંગ માટે ૩,૦૦,૦૦૦ ક્યુબિક મિટર માટીકામનો સમાવેશ થાય છે. તેમજ ૨,૦૦,૦૦૦ મેટ્રિક ટન હોટ મિક્સ ડામર બિછાવીને અને રનવેના યુનિડાયરેક્શનલ ક્રોસ ફોલની બન્ને દિશામાં ઢોળાવ બદલીને રનવેને જાળવવા માટે ‘હોટ મિક્સ ઓવરલેઈંગ’ પદ્ધતિ સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે અપનાવી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા સલાહકારોને પણ આ કામની અંદર જોડવામાં આવ્યા છે. જેથી કામગીરીમાં કોઇ ચૂક ન રહી જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય.