
એનસીપી પ્રમુખ શરદ પવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી છે. આ બેઠક દિલ્હીમાં ૨૦ મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક સંસદના વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી. હાલ આ બેઠકનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠક દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક શિવસેના સાંસદ સંજય રાઉત પર ઇડીની કાર્યવાહીના બીજા દિવસે થઈ હતી.

સવાલ એ છે કે શું આ બેઠક મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના મુદ્દે તો નથી થઈ? આ દરમિયાન આજે સાંજે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ મીટિંગનું કારણ જણાવી શકે છે.

સંજય રાઉતની સંપત્તિ જપ્ત કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ પછી સંજય રાઉતે ગઈ કાલે રાત્રે શરદ પવારના ઘરે આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી. ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી પણ ગઈ કાલે શરદ પવારના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. આ પછી આજે શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા છે.
