રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે યુએસએ અને પશ્ચિમના ઘણા પ્રતિબંધો અને ચેતવણીઓ છતાં રશિયન બાજુથી હુમલાઓ બંધ થઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં રશિયા દ્વારા કરાયેલી હત્યાની વૈશ્વિક નિંદા થઈ રહી છે.
ભારતે પણ રશિયાની નિંદા કરી છે અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાંથી રશિયાને સસ્પેન્ડ કરવા કે કેમ તેના પર મતદાન કરવા જઈ રહી છે.
યુક્રેનના મેરીયુપોલના મેયર વાદિમ બોઇચેન્કોએ કહ્યું છે કે રશિયન હુમલા દરમિયાન શહેરમાં ૫,૦૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેન હવે કિવની બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરી રહ્યું છે. મેયરે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં ૨૧૦ બાળકોનો સમાવેશ થાય છે. તેમના મતે રશિયન દળોએ પણ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં માત્ર એક હોસ્પિટલમાં જ ૫૦ લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ શહેરનું ૯૦% ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે.
યુ.એસ. અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધ્યું છે. એક યુએસ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાએ ઉત્તરમાં કિવ અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ ૨૪,૦૦૦ કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.