રામનવમીના પ્રસંગે દેશનાં ઘણાં રાજ્યોમાંથી હિંસા ફાટી નીકળી હતી. ગુજરાત, ઝારખંડથી લઈને પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સુધીના ઘણા વિસ્તારોમાં હિંસા તથા સરઘસ પર હુમલા બાદ તંગદિલીનો માહોલ છે. આ દરમિયાન હવે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં પોલીસ, હિન્દુવાદી સંગઠનો અને ધાર્મિક નેતાઓ પર નિશાન સાધ્યું હતું.
હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે હિન્દુવાદી સંગઠનોએ અલગ-અલગ સ્થળોએ હિંસા કરીને પોલીસને ઉશ્કેરી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે ઘણી જગ્યાએ મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે રામનવમીના સરઘસો અને રથયાત્રાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધર્મગુરુઓએ મુસ્લિમોના નરસંહાર અને બળાત્કારની વાત કરી હતી. હિન્દુત્વની વાતો કરતાં ટોળાંએ પોલીસના ઈશારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડમાં વાતાવરણ બગાડ્યું છે. રામનવમી અને એના થોડા દિવસો પહેલાં જ રાજ્યોમાં હિંસક ઘટનાઓ સામે આવી હતી.
ઓવૈસીએ રાજસ્થાનના કરૌલીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ૨ એપ્રિલે હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી બાઇક રેલી પર એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી હટવારા બજારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. તોફાનીઓએ ૩૫થી વધુ દુકાનો, મકાનો અને બાઇકને આગ ચાંપી દીધી હતી.
ગુજરાતના આણંદ જિલ્લામાં ૫ એપ્રિલે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મસ્જિદ પાસેથી માતાજીનો રથ ડીજે સાથે પસાર થતા મોટા અવાજે સંગીત વગાડવાને લઈને બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પેટલાદ ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે પેટલાદ શહેર નજીક બોરિયા ગામમાં બની હતી.