દેશના દક્ષિણ – પશ્ચિમ વિસ્તારમાં ચોમાસું સામાન્ય રહેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર એમ ૪ મહિના સુધી ચોમાસાનો વરસાદ લગભગ ૯૯% સુધી રહેશે. નવી દિલ્લીમાં મીડિયા સાથેની વાતચીતમાં હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ ચોમાસાની આગાહી વિશે માહિતી આપી હતી.
હવામાન વિભાગ આ વર્ષના મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસામાં થનારા વરસાદની આગાહીઓ જાહેર કરશે. આ સાથે જ હાલના સમયમાં ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં લા નીનાની સ્થિતિ બનેલી છે અને આ સ્થિતિ ચોમાસા દરમિયાન પણ યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર ભારતના ઉત્તરના ભાગો અને મધ્ય ભારતના ક્ષેત્રના ઘણા વિસ્તાર, હિમાલયની તળેટી અને ઉત્તર પશ્વિમ ભારતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની આશા છે. જ્યારે પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તારો, ઉત્તર-પશ્ચિમી ભારતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ પ્રાયદ્વીપના દક્ષિણી વિસ્તારોમાં મધ્યમથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.