પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લાલકિલ્લા પર ગુરુ તેગબહાદુરના ૪૦૦ મા પ્રકાશપર્વ સમારોહમાં ભાગ લેશે. આ અવસરે પ્રધાનમંત્રી સંબોધન કરશે. અને સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. કાર્યક્રમનુ આયોજન ભારત સરકાર અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ ધર્મ, માનવીય મુલ્ય, આદર્શો અને સિદ્ધાંતો માટે જીવન ન્યોછાવર કરનાર નવમા શીખ ગુરુ તેગ બહાદુરના શિક્ષણ પર આધારિત હશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન સંબોધનમાં જણાવ્યુ હતુ કે દેશના દરેક વ્યક્તિના હૃદયમાં ગુરુ તેગ બહાદુર પ્રત્યે અપાર શ્રદ્ધા છે. તેમણે ઉમેર્યુ કે ગુરુ તેગ બહાદુર હિન્દની ચાદર, જગતના ગુરુના રૂપમાં લોકપ્રિય છે. અને કરોડો લોકો તેમના પથનુ અનુસરણ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ રાત્રે લગભગ ૦૯:૧૫ વાગ્યે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગુરુ તેગ બહાદુરજીના ૪૦૦મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.
આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી રાગીઓ અને બાળકો ‘શબદ કીર્તન’માં ભાગ લેશે. ગુરુ તેગ બહાદુરજીના જીવનને દર્શાવતો ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. આ ઉપરાંત શીખોની પરંપરાગત માર્શલ આર્ટ ‘ગતકા’નું પણ આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ નવમા શીખ ગુરુ ગુરુ તેગ બહાદુરજીના ઉપદેશોને પ્રકાશિત કરવા પર કેન્દ્રીત છે, જેમણે વિશ્વના ઇતિહાસમાં ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબના આદેશ પર કાશ્મીરી પંડિતોની ધાર્મિક સ્વતંત્રતાનું સમર્થન કરવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. તેમની પુણ્યતિથિ દર વર્ષે ૨૪ નવેમ્બરના રોજ શહીદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિલ્હીમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ અને ગુરુદ્વારા રકાબ ગંજ તેમના પવિત્ર બલિદાન સાથે સંકળાયેલા છે. તેમનો વારસો રાષ્ટ્ર માટે એક મહાન એકીકૃત શક્તિ તરીકે કામ કરે છે.